એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત ,
પગલાં બની ગયા છે તમારા ચરણના દોસ્ત .
ઊભરો રહે ન દિલમાં ન બદનામીનો ડર ,
શોધુ છુ ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત .
એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તી ,
બાકી અમે અહીં હતા બસ એક જણના દોસ્ત .
હિમંતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોય ,
ખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણન દોસ્ત .
એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ ,
દરિયાના મોજેમોજા થયા છે તરણના દોસ્ત .
તારા લીધે ખુવાર થયો છુ જહાનમાં ,
ઢાંકણ એ ભેદના બુરા આચરણના દોસ્ત .
ઓ દોસ્ત કોઈ દોસ્તનો નથી એમા કસૂર ,
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત .
ક્યારે વજન હું એમનુ પામીશ શું ખબર ,
કંકર લઈને તોળું છુ લાખ મણના દોસ્ત .
જઈને વતનમાં એટલુ જોયું અમે 'મરીઝ' ,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત .
- 'મરીઝ' અબ્બાસ વાસી
No comments:
Post a Comment