Thursday, July 18, 2013

ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી , કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી . - 'મરીઝ' અબ્બાસ વાસી,

ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી,
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડી ભરમાં તને પણ એની સંગતની અસર લાગી,
તને પણ પાછા ફરતાં એક મુદ્ત નામાબાર લાગી .

ન મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી,
મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.

ઝરણ સુકાઈ ને આ રીતથી મૃગજળ બની જાએ.?
મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.

હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો,
કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.

હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો,
અને શંકા કદી લાગી તો એ તારી ઉપર લાગી.

ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પૂરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.

બધા સુખદ અને દુઃખદ પ્રસંગોને પચાવ્યા છે,
પછી આ આખી દુનિયા મારું દિલ લાગી,જીગર લાગી.

અચલ ઈન્કાર છે એનો 'મરીઝ' એમાં નવું શું છે.?
મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી.

- 'મરીઝ' અબ્બાસ વાસી, 

No comments:

Post a Comment