ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઊર્મિમાં ડૂબેલાં જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં ?
થોડાક ખુલાસા કરવા'તા થોડીક શિકાયત કરવી'તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતા.
હું ચાંદની રાતે નિકળ્યો'તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.
પેલા જે ખૂણે જે બેઠા છે એ "સૈફ" છે, મિત્રો જાણો છો ?
એ કેવો ચંચલ જીવ હતો, ને કેવા રમતારામ હતા !
- ‘સૈફ’ પાલનપુરી
No comments:
Post a Comment