Monday, June 10, 2013

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રૂઝાયેલાં જખ્મો પણ યાદ આવી જાય છે. - ‘સૈફ’ પાલનપુરી


ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રૂઝાયેલાં જખ્મો પણ યાદ આવી જાય છે.

કેટલો નજદીક છે આ દૂરનો સંબંધ પણ,
હું હસું છું એકલો - એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલાં મનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલાં મૃત્યુ નભાવી જાય છે.

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,
હોય જો પીનાર તો ખુદ ઝાંઝવાં છલકાય છે.

આ વિરહની રાત છે - તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે.

એક પ્રાણાલિકા નભાવું છું લખું છું "સૈફ" હું,
બાકી ગ઼ઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે.

- ‘સૈફ’ પાલનપુરી

No comments:

Post a Comment