સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.
આ મારા ખુલાસાઓ થી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો'તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નિરખે છે મને પણ,
કાગળ છું કોરો અને વંચાઈ રહ્યો છું.
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફત થી હું વગોવાઈ રહ્યો છું,
કહેવું છેં પણ "સૈફ" અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.
- ‘સૈફ’ પાલનપુરી
સિફત = વિશેષતા, ગુણ, ખાસિયત, ચાલાકી, હોશિયારી, પ્રશંસા, વખાણ
No comments:
Post a Comment