Monday, June 10, 2013

વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો, આશ્ર્વર્ય વચ્ચે એમના આંગણામાં જઈ ચડ્યો ! - 'ઘાયલ' અમૃતલાલ


વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ર્વર્ય વચ્ચે એમના આંગણામાં જઈ ચડ્યો !

પૂછો નહીં કે આજ તો ક્યાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઈ ચડ્યો !

આંધારમુક્ત થઈ ના શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો !

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું ક્યાંય નહિ ને ગેબની ગોફણમાં જઈ ચડ્યો !

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો !

ન્હોતી ખબર જવાય નહીં એમ સ્વર્ગમાં,
પહેર્યુ હતું હું એ જ પહેરણમાં જઈ ચડ્યો !

'ઘાયલ' ગયો'તો કેમ સુરાલયમાં શું કહું ?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.

- 'ઘાયલ' અમૃતલાલ

No comments:

Post a Comment