Monday, June 10, 2013

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે, એવું દરદ ન આપ કે જેની દવા મળે. - 'શૂન્ય' પાલનપુરી


મુક્તક
બધી દુનિયા ને ભુલી જાવ છું તારા વિચારોમાં,
છતા તારા વિચારોને ભુલાવી નથી શકતો.

ગ઼ઝલ

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હ્યદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઈપણ રૂપે ખુદા મળે.

- 'શૂન્ય' પાલનપુરી

ઝંઝા = ઝંઝાવાત, વરસાદ સાથે વંટોળિયો
નાખુદા = સુકાની, નાવિક
અદલ = ન્યાય, ઇન્સાફ
કાઠું = કઠણ

No comments:

Post a Comment