Monday, June 10, 2013

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, - ‘ગની’ દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
ફકત આપણે તો જવું હતું, બસ એક્મેકના મન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ના ગગન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંક્ના છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્યદય થી જાઓ નયન સુધી.

તમે રજરાણીનાં ચિર સમ, અમે રંક નારની ચૂદડી !
તમે તન પર રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હ્યદય ની આગ વધી "ગની", તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્ર્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ‘ગની’ દહીંવાલા

No comments:

Post a Comment