Saturday, June 1, 2013

હે સખી ! એ અહીં આવે તો એને શું કહું ? - 'શૂન્ય' પાલનપુરી



('દિકરી ને ગાય દોરે ત્યાં જાય' એ કહેવતનો ભોગ થઈ પડેલ એક કન્યા
જાણભેદુ સખી દ્વારા પોતાના પ્રિયતમને વિદાય વેળાનો સંદેશ પાઠવે છે.)

સખીનો પ્રશ્ન :
હે સખી ! એ અહીં આવે તો એને શું કહું ?

કન્યાનો ઉત્તર :
એને કહેજે કે હતી એ બેકસૂર,
લઈ ગયું દુર્ભાગ્ય એને દૂર દૂર;
લોક આવ્યા હાથ પકડી લઈ ગયા,
હેમથી નખશિખ જકડી લઈ ગયા;
એક વચાહીન પ્રાણી સમ ઉદાસ !
કેતલી મજબૂર ! કેવી નાસીપાસ !
ચુંદડી એનું કફન સર્જી ગઈ,
એના યોવનની ચિતા સળગી ગઈ.

સખીનો પ્રશ્ન :
હે સખી ! એ કદે પૂછે, હતી શા હાલમાં ?

કન્યાનો ઉત્તર :
સાફ કહી દેજે કે માઠા હાલમાં,
જાણે મૃગલી પારઘીની જાલમાં ;
આંખમાં અશ્રુ, ગળે ડૂબેલ શ્ર્વાસ,
ધૈર્ય જાણે કરવતોનો મૂક ત્રાસ !
અંગે અંગે દાવાનળ લાગ્યો હતો,
રોમે રોમે એક પ્રલય જાગ્યો હતો ;
છાનું છાનું એ રુદન કરતી ગઈ,
આખે રસ્તે તારો દમ ભરતી ગઈ.

સખીનો પ્રશ્ન :
હે સખી ! તારૂં ઠેકાણું કદી પૂછે મને ?

કન્યાનો ઉત્તર :
એને કહેજે, હે અભાગી પ્રેમી જન !
કોનું ઠેકાણું ? અને કોનું મિલન ?
ઘેલી ઘેલી વાતના દિવસ ગયા,
ભીની ભીની રાતના દિવસ ગયા,

સખીનો પ્રશ્ન :
હે સખી ! તે છતાં એ હઠ કરે તો શું કહું ?

કન્યાનો ઉત્તર :
તો પછી કહેજે કે ઘેલા માનવી !
દૂર જ્યાં દિગંતની સીમા નથી ;
જ્યાં ગગન ચૂમે છે ધરતીનું વદન,
થાય છે જ્યાં અંત-આદિનું મિલન ;
જ્યાં નથી ઇન્સાનનાં દુ:ખ, દર્દ, ગમ,
જ્યાં નથી નિર્દોષ પર જુલ્મોસિતમ ;
દૂર ... આ પાપી જગતથી દૂર... દૂર
તારી ઊર્મિ, જા... તને મળશે જરૂર.

- 'શૂન્ય' પાલનપુરી

No comments:

Post a Comment