સતત છે પ્રેમ નિરંતર વફા નથી મળતી,
તમારી યાદ હ્રદયમાં સદા નથી મળતી.
ભલે હો એમાં સિતારાના જેવી સુંદરતા,
પડે છે એને જગતમાં જગા નથી મળતી.
તમારી યાદમાં છું મસ્ત પણ તમે ક્યાં છો ?
નશો મળી તો રહ્યો છે, સુરા નથી મળતી.
લગાડ જીભ અનુભવ થશે કટુતાનો,
અહીં કળીમાંયે નિર્દોષતા નથી મળતી.
અઝબ જેવી છે આ તારી ક્રૂર અવગણના,
ગુના કરી તો રહ્યો છું સજા નથી મળતી.
ખુશીની વાત તો કેવી એ ક્યાં મળી શકતે ?
કે વેદનાય તમારા વિના નથી મળતી.
સુરાથી લઈ ને મેં કોશિશ કરી નમાઝ સુધી,
પણ એક સરખી કશામાં મજા નથી મળતી.
પ્રણયનો પ્રાણ બની ગઈ આ તારી લાચારી,
કે તારા મુખથી મને સ્પષ્ટ ‘ના’ નથી મળતી.
પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.
- 'મરીઝ' અબ્બાસ વાસી
No comments:
Post a Comment