Tuesday, July 16, 2013

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી, એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી. - 'મરીઝ' અબ્બાસ વાસી

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

- 'મરીઝ' અબ્બાસ વાસી

No comments:

Post a Comment