Monday, June 10, 2013

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારૂં કામ છે. - 'મરીઝ' અબ્બાસ વાસી

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારૂં કામ છે.

છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા !
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે.

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુ:ખતું હશે,
આમ હું માનું છું તારૂં નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘા અમારા દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલદી "મરીઝ",
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

- 'મરીઝ' અબ્બાસ વાસી

No comments:

Post a Comment