કેમ ભૂલી ગયા ? દટાયો છું,
આ ઇમારતનો હું ય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધો પડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું,
હું અજબ રીતથી ઘવાયો છું !
આમ તો એક બિંદુ છે કિંતુ,
સપ્ત સિંધુથી સંકળાયો છું.
સુર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચંદ્રની જેમ ચોડવાયો છું !
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છુ !
એ જ છે પ્રશ્ર્ન : કોણ કોનું છે ?
હું ય મારો નથી, પરાયો છું !
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું !
ઊંચકે કોણ પંથ ભૂલ્યાને ?
આપમેળે જ ઉંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ' ઘાયલ '
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
- 'ઘાયલ' અમૃતલાલ
No comments:
Post a Comment