તમારાં અહિં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફુલોની ય નીચી નજર થઈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે,
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થઈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને,
બિછવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.
હરીફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર-ડંખથી બેફિકર થઈ ગઈ છે.
પરિમલ સાથે ગળે હાથ નાખી -
કરે છે અનિલ છેડતી કૂંપળોની.
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તું,
પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપુર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે :
વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે.
' ગની ', કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઈર્ષા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને
ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે.
- ગની દહીંવાલા
No comments:
Post a Comment