Monday, June 10, 2013

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. - બરકત વિરાણી "બેફામ"

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી...

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી...

સિતારા શું કે આવે છે દિવસ રાતો ય ગણવાના,
હમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી...

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી...

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી...

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી...

વધે છે દુ:ખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી...

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં "બેફામ" કોઈ પણ જગા સારી નથી હોતી...

- બરકત વિરાણી "બેફામ"

મળે નહિ પણ ઉભી હો એ સજા સારી નથી હોતી,
નિરર્થક એવી મુક્તિ ની મજા સારી નથી હોતી...

કરી દાવા આપી પુરાવા સ્વાવલંબનના,
હંમેશાં માગતી રહેતી પ્રજા સારી નથી હોતી...

પરોણાગત મળે નિર્મોહી, મીઠો આવકારો હો,
વધુ પડતી એ ઘરમાં આવ-જા સારી નથી હોતી...

ન હાલે પાંદડા ત્યારે જરૂરી ખુદનું કૌવત છે,
પવન હો તો જ ફરફરતી ધજા સારી નથી હોતી...

હજી અફળાય છે, 'બેફામ' ઘૂઘવે, ખળભળે છે પટ,
દુભાયેલા સમંદરની રજા સારી નથી હોતી...

- શોભિત દેસાઈ

No comments:

Post a Comment